Vaccination

Vaccination….
એક ડૉક્ટર તરીકે મારી ફરજ બને કે વધુમાં વધુ લોકો સુધી કોરોના વિષયક સાચી વાત પહોંચે….

તમે બધા કોરોના વેક્સિનની બહુ બધી અફવાઓ સાંભળી હશે…પણ
અત્યારના આ સમયમાં Vaccination જ એક માત્ર ઉપાય છે,  કારણ કોરોના તો રહેવાનો જ છે, પણ જેટલા લોકો વધારે vaccinated હશે એમ બધાની herd immunity વધશે ને કોરોના સંક્રમણ  ઘટશે.

આ વખતે બધાએ એક વાત નોટિસ કરી હશે કે હેલ્થકેર વર્કર ના મૃત્યુ 1st વેવ કરતાં ઓછા થાય છે, કારણ મોટા ભાગના હેલ્થકેર વર્કરોને રસી લેવાઈ ગયેલી છે. કોરોના થાય છે પણ severity ઘટી જાય છે, જેથી મૃત્યુ દર નહીવત જેવો છે .
તેમજ યુવાનો વૃદ્ધો કરતાં વધુ સંક્રમિત થાય છે અને એમના મૃત્યુ દર માં પણ વધારો થયો છે એનું કારણ યુવાનો માં હજી Vaccination થયું નથી ને વૃદ્ધો માં Vaccination થઇ ગયેલું હતું.

Vaccine લીધી હોય એને કોરોના થવાની શકયતા એકદમ ઘટી જાય છે, અને કોરોના થાય તો પણ vaccine ના કારણે viral load ઓછો રહેવાથી hospotalization નથી થવું પડતું અને ઝડપથી રિકવરી આવે છે .

હું અત્યારે કોરોનાની ડ્યુટી દરમિયાન ઘણાં એવા દર્દીઓ  જોઉં છું ,જેને vaccine લેવાઈ ગયેલી છે ને બીજા દર્દી કરતાં ઉમર પણ મોટી છે તેમ છતાં તે સૌથી વધુ stable છે ,અને ઝડપથી સાજા થઈ ઘરે જાય છે.

કોરોના દર્દીએ હોસ્પિટલમાં રજા થયાના ૧મહિના પછી vaccine લેવી હિતાવહ છે, જ્યારે અન્ય લોકો એ કોઈપણ તકલીફ ના હોય તો vaccine લઇ લેવી વધુ હિતાવહ છે.

જો કોઈને  સાદો તાવ કે બીજા લક્ષણો હોય તો કોરોના નો ટેસ્ટ કરાવી જો નેગેટિવ આવે તો vaccine લેવી .

Vaccine પછી આવતા માઇનર તાવ ના ડરથી vaccine જ ના લેવી એ નરી મૂર્ખામી છે.

માટે વહેલા માં વહેલી તકે vaccine લઇ કોરોના સામેની લડતમાં સહભાગી બનીએ, herd immunity strong બનાવીએ ને બધા સ્વસ્થ બનીએ. ….

ખોટી અફવાઓથી દૂર રહી તન અને મન બંનેની  immunity strong બનાવીએ.

એક ડૉક્ટર તરીકે બધાને હાથ જોડીને વિનવું છું કે વહેલામાં વહેલી તકે vaccine લઇ લેજો .
આજથી cowin app પર રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે 18+age  માટે..
1may થી 18+age  વાળાને vaccine અપાશે.

Comfort zone

“challenge yourself
to
change yourself.” (Comfort zone)

“બંધનોની બેડીઓ તોડી, હામની મેં ભરીઓ હોડી,
સિદ્ધાંતોની બનાવી જોડી,જાવું સાગર પાર દોડી.” જેમ જહાજ લંગર(બંધન) થી છૂટી બંદર માંથી (કમ્ફર્ટઝોન) બહાર નીકળે ત્યારે તેની સાચી કિંમત થાય છે એવી જ રીતે આપણે પણ કમ્ફર્ટ ઝોન રૂપી બંદર માંથી બંધનો તોડીને જ્યારે બહાર નિકળશુ ત્યારે જ આપણી સાચી કિંમત થશે.

જેમ પ્લેનની એરપોર્ટમાં, ફળોની ફ્રીઝમાં, લાગણીઓની દિલમાં પડ્યા રહેવાથી કાઈ કિંમત રહેતી નથી એમ જ આપણી પણ એક જગ્યાને સુરક્ષિત માનીને એમાં જિંદગીભર પડ્યા રહેવાથી કાઈ કિંમત રહેતી નથી.ફ્રીઝ માં રહેલા ફળોને એમ હોય કે એ એમાં સુરક્ષિત છે પણ એમાં પડ્યા જ રહેવાથી એ કોઈનાં પણ ઉપયોગ માં આવી શકતા નથી એવી જ રીતે આપણે પણ કમ્ફર્ટ ઝોન રૂપી ફ્રીઝ માં પડી રહીએ તો આપણી કાઈ કિંમત રહે નહીં.

જો બહાર સડી જવાની બીકે ફળો ફ્રીઝની અંદર પડ્યા રહે તો એ કશા કામના રહેતા નથી, એવી જ રીતે કમ્ફર્ટ ઝોનની બહાર રહેલા પ્રોબ્લેમ્સ ની બીકે આપણે અંદર ને અંદર પડ્યા રહીએ તો જીવનમાં આપણે કાઈ પ્રાપ્ત કરી શકવાના નથી.

આપણે આપણી જાતને બહાર આ દુનિયા માં એડજસ્ટ કરતા શીખવી જ પડશે, નેગેટિવ વિચારો અને લોકો સામે અડીખમ ઉભા રહેવા માટે પોઝિટિવ વિચારોરૂપી કવચને મજબૂત કરવું જ પડશે. આપણે પરિવાર અને સમાજ તરફથી મળેલા સારા સંસ્કારોની મૂડીરૂપી ઠંડક જાળવી રાખીશું તો જ જીવનમાં ખૂબ મોટા શિખરો સર કરી શકીશું.આપણે પોઝિટિવ વિચારો અને આત્મબળ થી મજબૂત બની કોઈપણ પરિસ્થિતિ સામે લડી લેવાની તાકાત રાખવી પડશે. બધાને સારી બાબત કરતા નબળી બાબતની બહુ વહેલી અસર થતી હોય છે, તો આપણે એમાંથી બચવા માટે આપણે આપણી પોઝિટિવ વિચારો અને સંસ્કારોરૂપી ઠંડક સ્ટ્રોંગ રાખવી પડશે જેથી આપણને નેગેટિવ વાતાવરણની બહુ અસર ના થાય અને આ દુનિયામા અડીખમ ઉભા રહી શકીએ.

સારા પુસ્તકો, સારા મિત્રો અને સારા પ્રવચનો થી આપણે આપણું કવચ મજબૂત બનાવવું જેથી કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા આપણે સક્ષમ બની શકીએ.

બાળપણથી એક ગધેડા અને ખેડૂતની વાર્તા સાંભળતા આવીએ છીએ, જે આપને મજબૂતાઈ પ્રેરશે માટે અહીં તમારી સાથે શેર કરું છું.એક ખેડૂત પોતાના ગધેડા ને ઘરડો થવાથી છૂટો મૂકી દે છે, ગધેડો આમતેમ ફરતા ફરતા એક અવાવરુ કૂવામાં પડી જાય છે. એના માલિક ને ખબર પડે છે, ખેડૂત ને એમ વિચાર આવે છે એમેય આ ગધેડો ઘરડો છે આપણે કાઈ કામ આવવાનો નથી તો એને માથે માટી નાખીને એને દાટી દઉં એટલે કાઈ માથાકૂટ જ નહી.

ખેડૂત કૂવામાં ગધેડા પર માટી નાખવાનું શરૂ કરે છે. ગધેડા એ વિચાર્યું હોત કે કાંઈ મહેનત કરવાની જરૂર નથી આમને આમ પડ્યો રહુ, જે થવાનું હશે એ થશે, તો ગધેડાનું મૃત્યુ નિશ્ચિત જ હતું. પણ ગધેડા એ શાંત કમ્ફર્ટઝોન માં પડી રહેવાને બદલે જેમ જેમ ખેડૂત મુશ્કેલી રૂપી માટી માથે નાખતો જાય એમ એમ ગધેડો પોતાના પોઝિટિવ વિચારો રૂપી કવચ થી એને ખેરતો જાય. ધીમે ધીમે એ અને માટીનો ઢગલો બને ઉપર આવતા ગયા અને ગધેડો માટીના ઢગલા ઉપર થઈને બહાર નીકળી ગયો અને જીવતો બચી ગયો.જો એણે કમ્ફર્ટઝોન માં પડી રહીને બહાર નીકળવાનો કંઈજ પ્રયત્ન ના કર્યો હોત તો એ જરૂરથી મોતને ભેટ્યો હોત.માટે આપણે પણ આપણા સ્વવિચારો થી સમૃદ્ધ બની, કમ્ફર્ટઝોનનો ત્યાગ કરી ને આપણી મંઝીલ તરફ આગળ વધવું જોઈએ.

પોતાના સારા વિચારો થી સમૃદ્ધ લોકો જીવનમાં કોઈ દિવસ ક્યાંય પાછા પડતા નથી. એનામાં રહેલા સારા વિચારો જ એને જીવનમાં આગળ લઇ જાય છે. માટે જ આપણે સ્વવિકાસ પર વધારે ધ્યાન દેવું જોઈએ અને કમ્ફર્ટ ઝોનનો ત્યાગ કરવો જોઈએ.

“જેટલો સંઘર્ષ હશે જાનદાર એટલી જ જીત હશે શાનદાર.”
– સાગર 🌊

( say no to overexpectation…)

Planned trip માં વધુ મજા આવે કે unplanned trip માં?

મોટાભાગના લોકોનો જવાબ હશે કે unplanned trip માં વધુ મજા આવે.

આવું જ expectation નું છે,

આપણે વધુ પડતી expectations રાખીને કોઈ જગ્યાએ જઈએ અને એ પ્રમાણે ત્યાં ના થાય તો
આપણે વધારે પડતાં નિરાશ થઇ જઈએ છીએ.

એના કરતાં  આપણે કોઈપણ જાતની  expectations (ઇચ્છાઓ) રાખ્યા વગર જઈએ અને આપણને ગમતી વસ્તુ થાય (કાંઈક  સરપ્રાઇઝ મળે ) તો કેવી મજા આવી જાય……વિચારો ….

માટે કોઈપણ કામ  શરૂ કરતી વખતે કે કોઈ નવા વ્યક્તિ, સ્થાન ની મુલાકાત લેતા પહેલા વધું પડતી આશાઓ (expectations) રાખવી નહીં. ત્યાં જે થશે એ  સારું જ થશે એમ માનવું.

ગમતી વસ્તુ થશે તો મજા આવશે ને અણગમતું થશે તો એમાંથી કાંઈક નવું શીખવા મળશે.

એટલે જ જીવનમાં અમુક બાબતમાં થોડુક unplanned રહેવું પણ સારું છે,  કારણ હર હમેશ perfection માં માનતા લોકોને ક્યારેક એ પ્રમાણે ના થાય તો બીજા કરતાં વધુ પડતું દુખ થતું હોય છે.

માટે  આશાવાદી બનવું સારું પણ વધુ પડતું આશાવાદી બનવું સારુ નહીં.
(Expectations સારી, overexpectation નહીં).

                                             – સાગર
  
  

Faith vs doubt

જીવનમાં કોઈપણ સંબંધમાં સૌથી  વધુ જો કોઈની અગત્યતા હોય તો એ છે સમજણ (understanding) કે વિશ્વાસની.

સમજણ/વિશ્વાસ વગર ક્યારેય સંબંધ ટકતો નથી,
એ પછી પોતાની જાત સાથેનો હોય કે કોઈ બીજા સાથેનો. . .

“doubt જાત પર હોય કે સંબંધોમાં, એ out જરૂરથી કરે છે. એ Wicket લાંબી ટકવા નથી દેતો .જો Wicket લાંબી ટકાવવી હોય તો આ doubt ને જ જીવનમાંથી out કરવો પડે.”

વિશ્વાસ આપણા સંબંધો ને વ્યક્તિત્વ ને મજબૂત બનાવે છે જ્યારે શંકા એને ખોખલો બનાવી દે છે.

આપની સામે વિશ્વાસ નું મહત્વ સમજાવવા એક  ઉદાહરણ પ્રસ્તુત કરું છે .
જ્યારે આપણે દહીં બનાવવા માટે દૂધ ને મેળવવા મૂકીએ છીએ ત્યારે આપણે એને વારેવારે ઉઘાડીને જોયા નથી કરતાં કે દહીં બની ગયું કે નહીં!?
વિશ્વાસ રાખીને દૂધમાં બે ટીપાં છાસ કે દહીં નાખી મૂકી દઈએ છીએ .
એની જગ્યાએ જો આપણે શંકા રાખી વારેવારે તપેલું ઉઘાડી જોયા કરીએ તો એમાંથી દહીં ના બદલે કાંઈક વાસ મારતું બીજું  જ બની જાય.

એવું જ સંબંધોનું છે ,જ્યારે આપણે  સામેની વ્યક્તિ પર કાંઈ કારણ વગર ખોટી શંકાઓ જ કર્યા કરીએ
અને સમજણ કે વિશ્વાસ ના દાખવીએ તો એ સંબંધ ક્યારેય લાંબો ટકતો જ નથી.
સંબંધોમાં વિશ્વાસ નું સ્થાન જ્યારે શંકાઓ લે છે ત્યારે  એ સંબંધ ટકતો નથી .
માટે જ…
                 શંકાઓને દૂર કરો,
                વિશ્વાસ ભરપૂર કરો ,
              સમજણનો સાગર ભરો ,
                હર મુશ્કેલી પાર કરો.
              ને આનંદ ઉલ્લાસથી રહો. .

                                      – સાગર

Keep updating yourself

Don’t compare yourself with others, everyone have their own struggles,own happy nd sad moments & own setbacks.
Compare  yourself with you only.

Compare your present day with yesterday, how it becomes more productive,energetic,helpful and joyfull.
Think on it.

keep updating yourself.

દુનિયામાં બધી જ વસ્તુ અપડેટ થાય છે ,
મોબાઈલને પણ નવાં features માટે અપડેટ કરવો પડે છે તેમ પોતાની જાતને પણ નવાં ધ્યેય પામવા માટે અપડેટ કરવી .એના માટે books વાંચો, Positive માણસો સાથે વિચાર વિમર્શ કરો, મોટિવેશનલ વિડિયો જુઓ .
પણ બંધિયાર બની ના રહો.

બંધિયાર પાણી કરતાં વહેતું પાણી બનવું સારું .
બંધિયાર પાણી અમુક સમય પછી કાદવને કારણે ગંધાવા લાગે છે.એમ આપણે પણ જો જૂના વિચારો ને આદતો ને બદલીએ નહીં તો  આપણા જીવનમાંથી પણ નેગેટીવીટી રૂપી કાદવ ગંધાવા માંડે .

માટે પોતાની ગઈકાલ સાથે આજને compare કરી આજનો અને આવતીકાલનો વિચાર કરવો
અને  જાતને સતત અપડેટ કરતી રહેવી.
ને  પોતાના જીવનને ને બીજા લોકોના જીવન સાથે ક્યારેય compare કરવા નહીં.
                                 – સાગર વેકરિયા .

આજ સુધારે આવતીકાલ

બધા લોકોને પોતાનું ભવિષ્ય સુરક્ષિત હોય એવી ઈચ્છા તો હોય જ, તો આપણું ભવિષ્ય પણ આપણી આવનારી પેઢી સાથે જ હશે.આજ સુધારે આવતી કાલ કહેવત ની જેમ જો આપણે પણ આપણી જીવનશૈલી માં સુધારો લાવીએ તો એ આપણા બાળકોમાં આવવાનો જ.

   બાળકનું મન ખૂબ જ કોમળ હોય છે, એનું માનસ કોરી પાટી જેવું હોય છે, આપણે એમાં જેવો એકડો ઘૂંટાવીએ એવું જ એ શિખતા હોય છે. એને જેવુ વાતાવરણ મળતું હોય એ પ્રમાણે જ એ બની જતું હોય છે, એ પછી સારું હોય કે ખરાબ.(બે પોપટ, પૂજારી અને કસાઈ ની વાર્તાની જેમ જ..).

   બાળક જે જોશે એ જ વસ્તુ શીખશે, આપણે પરિવારમાં જેવી રીતે રહેતા હોઈશું એવું જ એ શીખશે.

   અત્યારે મોટાભાગના માબાપની ફરિયાદ હોય છે કે મારું બાળક મોબાઈલમાં જ મથ્યા કરે છે, બીજી કાઈ એક્ટિવિટી કરતું નથી.તો એમાં વાંક પણ આપણો જ હોય છે.આપણાં બાળકને જ્યારે આપણી જરૂરત હોય છે ત્યારે આપણે એ સમય મોબાઈલ માં વેડફી દઈએ છીએ.

    બાળકો ને બાળપણમાં મોબાઈલ ની જરૂર નથી પણ આપણે એને આધુનિકતાને બહાને અને આપણી જવાબદારીઓ માંથી છૂટી જવા મોબાઈલ આપી દઈએ છીએ,જેનું ખરેખર ખૂબ ભયંકર પરિણામ આવે છે.

    જો આપણને  ખરેખર બાળકના અને અંતે તો આપણા ભવિષ્યની ચિંતા હોય તો આપણે તેમની સાથે સમય વિતાવવો જરૂરી છે.આપણાં બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા કેટલીક બાબતો અનુસરવી આપણા માટે ખૂબ જ જરૂરી બને છે.

1) પહેલા તો આપણે આ વ્યસ્ત જિંદગીમાંથી બાળકો માટે સમય કાઢવો જ પડશે. સંપત્તિ ની સાથે સંતતિ ની સંભાળ પણ બહુ અગત્યની છે. આપણે જેની સાથે ભવિષ્યમાં સમય વિતાવવાનો છે , સહારો લેવાનો છે એના માટે તો આપણે સમય તો કાઢી જ શકીએ.

2) જ્યારે આપણે બાળકો સાથે હોઈએ ત્યારે મોબાઇલ નો બિનજરૂરી ઉપયોગ ટાળવો. વોરેન બફેટ જેવા વિશ્વના ધનવાન વ્યક્તિ પણ જો છ વાગ્યા પછી મોબાઈલ બંધ કરીને એ સમય પોતાના પરિવાર સાથે વિતાવતા હોય તો આપણે તો વિતાવી જ શકીએ.

3) બાળકોને નાની ઉમરમાં મોબાઇલ આપવો નહીં એને સમજાવવા કેમકે આ ઉંમરમાં એમને મોબાઈલ ની કોઈજ જરૂર નથી.એપલ જેવી મોબાઈલની કંપનીના માલિક સ્ટીવ જોબ પણ  જો પોતાના બાળકો ને મોબાઈલ એ પુખ્ત વયના થાય ત્યારે આપતા હોય તો આપણે પણ એ કરી જ શકીયે.

4) બાળકોને કુદરતી જગ્યાએ અથવા તો બગીચામાં ફરવા લઇ જવા એને મોબાઈલ સિવાયની આ જે અદભુત દુનિયા છે એ પણ બતાવવી. કુદરત ના ખોળે એને જીવતા શીખવવું.

5) બાળકો સાથે રમતો રમવી, એમની સાથે રમતા રમતા આપણો તણાવ પણ દૂર થઈ થશે અને આપણે અને બાળક બને તંદુરસ્ત રહી શકીશું. અત્યારે મેદસ્વિતા ને કારણે બહુ બધા રોગો થાય છે,ને ભવિષ્ય માં વધવાના પણ છે.તો આપણે બાળકો સાથે રમીને, કસરત કરીને એ પણ અટકાવી શકીશું.

6) ડિપ્રેશન જેવા રોગોનો જમાનો છે ત્યારે આપણે બાળકોને યોગ, પ્રાણાયામ,ધ્યાન શીખવીને તેને પણ કોઈપણ પરિસ્થિતિમાં હળવાફુલ રહેતા શીખવવું જોઈએ.

7) બાળકોને અભ્યાસ ના પુસ્તકોની સાથે સાથે અન્ય પુસ્તકો  વાંચવાની પણ ટેવ પાડવી જોઈએ એના માટે આપણે પણ પુસ્તકો વાંચવા પડશે.આપણે જોઈએ જ છીએ એ પ્રમાણે મોટાભાગના મહાન પુરુષોના જીવનમાં પુસ્તકો નો ખૂબ ફાળો રહેલો છે. બિલ ગેટ્સ, વોરેન બફેટ થી લઈને આપણા ગુજરાતીઓ નરેન્દ્ર મોદી, જય વસાવડા, વગેરેના જીવનમાં પુસ્તકોનો મોટો ફાળો રહેલો છે.  વિશ્વના ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સ આ ઉંમરે પણ દરરોજ 500 પેજ બૂકના વાંચે છે.

8) આપણામાંથી ઘણા એ નાના હતા ત્યારે દાદા કે દાદી પાસેથી વાર્તાઓ સાંભળેલી હશે તો એ વારસો પણ આપણે આપણા બાળકો ને દેવો ખૂબ જ જરૂરી બને છે. માટે રોજ કાઈક એક નવી  સરસ વાત બાળકોને કહેવાનું રાખવું,એના થી બાળકોની વિચારશૈલી માં ઘણો ફરક પડશે.

9)બાળકોને દેવ દર્શને લઇ જવા, એને મંદિરના શાંતિપૂર્ણ વાતાવરણ નો આનંદ લેતા શીખવવું.એમના હાથે દાન પુણ્ય કરવું, જેથી એમનામાં પણ એવા સારા સંસ્કારો આવે.

10) આપણે બાળકોને તેમના રીતે ખીલવા દેવા જોઈએ, આપણા અંધશ્રદ્ધા રૂપી વાડા માં બાંધવા ના જોઈએ.એમને જેમાં રસ હોય, અને એ સારી બાબત હોય તો એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ.

11) બાળકને પોતાની રીતે ઘડાવા દો, એને મુશ્કેલીઓનો સામનો કરતા શીખવવું. માબાપ એમ માનતા હોય છે કે મને આવેલી મુશ્કેલીઓ મારા બાળકને ના આવે પરંતુ જો એને બધું જ તૈયાર મળી જશે તો એનો વિકાસ ખરેખર રૂંધાઇ જશે. એને જીવનમાં નવા નવા કાર્ય કરવા પ્રેરો. એમને જરૂર પડે ત્યારે જ મદદ કરો.
   સવજીભાઈ ધોળકિયા કરોડો ની કંપનીના માલિકે પણ પોતાના દીકરાને પૈસાનું મહત્વ સમજાય એ માટે ખૂબ સફળ પ્રયાસ કર્યો હતો. દ્રવ્ય ધોળકિયા એ મહિના સુધી મુશ્કેલીઓનો સામનો કરીને કમાણી કરી, અને જીવનમાં તેનું મહત્વ શીખ્યા હતા.

     “આપણે બાળકોને કેટલો સારો મોબાઇલ આપીએ એમાં આપણો વૈભવ નથી પણ કેટલા સારા સંસ્કાર અને સારી બાબતો શીખવી શકીએ એમાં આપણો વૈભવ છે”

    આપણે જો બાળકો ને એમના ઘડતર અને સારા સંસ્કારો માટે અત્યારે સમય ન ફાળવ્યો હોય તો આપણ ને ભવિષ્યમાં
એમની પાસેથી સમય ન આપવા માટેની ફરિયાદ કરવાનો કોઈ જ હક્ક રહેતો નથી.

   માટે “જાગ્યા ત્યાંથી સવાર” કહેવત ની જેમ આપણે જીવનમાં આવા અગત્યના સુધારા લાવી પોતાનું અને બાળકનું ભવિષ્ય  સુરક્ષિત કરીએ..
       
                                                  -“સાગર”

મનની immunity

((  મનની Immunity   ))
Health is a state of physical, mental and social well-being in which disease and infirmity are absent.” -WHO
WHO ની વ્યાખ્યા મુજબ માણસ સંપૂર્ણ તંદુરસ્ત ત્યારે જ ગણાય જયારે એ શારીરિક,માનસિક,અને સામાજિક રીતે સ્વસ્થ હોય.

તનની તંદુરસ્તી સાથે મનની તંદુરસ્તી પણ એટલી જ અગત્યની છે.
તનને તંદુરસ્ત રાખવા જેમ યોગ્ય આહાર, કસરત  અને પરેજી ની જરૂર છે એ જ રીતે મનને તંદુરસ્ત રાખવા પણ એને યોગ્ય આહાર(પોઝિટિવ વિચારો), કસરત(યોગા,મેડિટેશન) પરેજી ની જરૂર હોય છે.
   આ કપરા સમયમાં અત્યારે સૌથી વધુ જો કોઈપણ જરૂરિયાત  હોય તો એ છે પુરેપુરા precaution  રાખી  તન અને મનની immunity વધારવાની.
   બધા તનની immunity(રોગપ્રતિકારક શક્તિ) ના ઉપાયો તો સૂચવે જ છે, આજે હું તમને મનની immunity વધારવા માટેના કેટલાક ઉપાયો સુચવું છું.
૧) મનની કસરત
જેમ તનને તંદુરસ્ત રાખવા કસરત, વોકિંગ,રનીંગ કે સાયકલિંગ કરીએ છીએ એવી જ રીતે મનને તંદુરસ્ત રાખવા આપણે શું કરીએ છીએ??
મનને તંદુરસ્ત રાખવા આ નવરાશના સમયમાં ધ્યાન, યોગ, પ્રાણાયમ શીખવા, દરરોજ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે પ્રેક્ટિસ કરવી. કોઈપણ વસ્તુ શીખવી અઘરી નથી ,જરૂર છે તો માત્ર એ દિશામાં એક ડગલું મૂકી આગળ વધવાની.
૨)  મનના ડોકટર
– જ્યારે શરીર માંદુ પડે ત્યારે જેમ એના ડોકટર પાસે જઈએ છીએ , એ જ રીતે જ્યારે મન માંદુ પડે(ખોટા નકામા વિચારો આવ્યે રાખે, મુંઝારો આવે,કાઈ કામ કરવાનું મન જ ના થાય, બધાથી દૂર ભાગી જવું એવું થયે રાખે વગેરે વગેરે..)
ત્યારે એના માટે યોગ્ય ડોકટરની સલાહ લેવી.

આપણા કુટુંબ કે મિત્રસર્કલ માં કોઈ મોટીવેટ કરનારું હોય તો એની યોગ્ય સલાહ લેવી. સલાહ લેવામાં શરમાવું નહીં, જો શરમાશો તો એ પરિસ્થિતિનો કોઈ યોગ્ય ઉકેલ આવવાને બદલે વધારે પરિસ્થિતિ વધારે વણસતી જશે.
૩) – સારા પુસ્તકોનું વાંચન
   શ્રેષ્ઠ જીવન જીવવા અને મનને મજબૂત બનાવવા સારા પુસ્તકો અને સજ્જનોના સાથ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.
    ઘરમાં એવા કેટલાયે પુસ્તકો હશે જે વંચાયા વગર ધૂળ ખાતા હશે એ વાંચવા બાકી , નવા ઓનલાઈન મંગાવી એ વાંચવા કે પછી ઓનલાઈન સોફ્ટ કોપી વાંચવી.
    પણ નવરા ના બેસવું.
” ખાલી દિમાગ શેતાન કા ઘર” કે પછી ” નવરા નખોદ વાળે” જેવી કહેવતની જેમ નવરા રહેવા કરતા પુસ્તક વાંચન કે નવું શીખવા માં વ્યસ્ત રહેવું જેથી મનની તંદુરસ્તી જળવાઈ રહે.
બુક  સજેશન;
       જય હો,
        Jsk,
        નોર્થપોલ,
        ધ રામભાઈ,
        મરો ત્યાં સુધી જીવો,
        ડોકટરની ડાયરી,
૪)પરિવારના સભ્યો સાથે ઘરસભા.
      ગમે તે પરિસ્થિતિમાં સૌથી નજીક આપણો પરિવાર જ હોય છે. આપણને કોઈ પ્રશ્નો મૂંઝવતા હોય તો એ પરિવાર સાથે વહેંચી યોગ્ય ઉકેલ લાવવો કે પરિવારના કોઈ સભ્યને કાઈ પ્રશ્ન હોય તો એ વ્યવસ્થિત રીતે સમજી એનો યોગ્ય ઉકેલ લાવવો.
        ગામમાં બીજા લોકો શુ કરે છે એ ધ્યાન રાખવા કરતા પહેલા પરિવારમાં કોઈ મૂંઝાય છે કે નહિ, કોને શુ પ્રશ્ન છે એ ધ્યાન રાખવું અને ઉકેલ લાવવો વધુ જરૂરી છે.
     આના માટે ઘરસભા અત્યંત જરૂરી છે. જો બધા ભેગા બેસશે, સારી વાતો કે સત્સંગ કરશે તો અવશ્ય બધા વચ્ચે મનમેળ વધશે અને પરિવારના બધા સભ્યો મનથી મજબૂત બનશે.
        ૫) યુ ટ્યુબ, સોશિયલ મીડિયામાં કે ટીવીમાં સારા પ્રવચનોનું શ્રવણ
ટીવીમાં સંતો, મહંતો કે સજ્જનોના પ્રવચનો સાંભળવા, યોગ શીખવા  કે histry, discovery જેવી ચેનલો માંથી નવું નવું શીખવું, જાણવું ને માણવું જોઈએ.
     યુટ્યુબમાં સાંભળવા જેવા ગુજરાતી સજ્જનોના પ્રવચનો.
(આ બધા વ્યક્તિઓ અને ચેનલો માં આવતા મોટીવેશનલ વીડિયો હું જોઉં છું, મને લાગ્યું તમને ઉપયોગી થશે એટલે આપણી સાથે વહેશું છું.
        જય વસાવડા,
        જ્ઞાનવત્સલ સ્વામી,
        અપૂર્વમુનિસ્વામી,
        Y A S (યુવા અભ્યુદય સેમિનાર) ના વક્તાઓ
         on surat gurukul channel
        સાંઈરામ દવે,
        ડો.હંસલ ભચેચ,
         સવજીભાઈ ધોળકિયા
         સંજય રાવલ,
         અંકિત ત્રિવેદી,
          સફીન હસન,
         ભીખુદાન ગઢવી કે ઇશરદાન ગઢવીની લોકવાર્તાઓ,
        
મારી પાસે યુટ્યુબની કેટલીક ચેનલોનું લિસ્ટ છે જે તમને જીવનમાં કોઈને કોઈ રીતે પ્રેરણદાયક બની રહેશે એમ સમજીને તમારી બધા સાથે એ લિસ્ટ વહેંશુ છું.
      Ted  talk,
      Josh talk,
      Sandeep maheshwari,
       Vivek bindra(bada business)
       Himeesh madaan,
       Civil beings(sagar dodeja),
       Dr.ujjval patni,
       Gaur gopal das
        Sadhguru,
        BK shivani,
        coolmytra,
App- Quora,
         પ્રતિલિપિ,
         જલસો,
૬) મ્યુઝિક
     જીવનમાં સંગીતનો બહુ મોટો રોલ રહેલો છે, તમે ક્યારેક મંદિરો,હોસ્પિટલો કે રેસ્ટોરાં એ જાવ ત્યારે ત્યાં અમુક પ્રકારનું સંગીત સાંભળવા મળતું હોય છે.
   મ્યુઝિક મનને શાંત કરવામાં ખૂબ મદદરૂપ છે.
   યુટ્યુબમાં સર્ચ કરજો બધી પ્રકારના મ્યુઝિક  મળી જશે.
    music for meditation,
                      sleep, avoid stress
                      concentration, focus,
    classical music,
    Instrumental music,
    Binaural beats,
    Alpha wave music,
     Peaceful kirtan, prabhatiya
૭)  મનની તંદુરસ્તી જળવાઈ એવી આદતો પાડવી 
     -ઘર બેઠા નવરાશના સમયે અવનવા કોર્ષ કરવા,
      ડિઝાઇનિંગ, કમ્પ્યુટર વર્ક, ઓનલાઈન વહીવટ,  
      ઈંગ્લીશ લર્નિંગ,ટાઈપિંગ, લેખન,વાંચન,ઘરકામ,સિલાઈ,
      નવી ટેક્નોલોજીની જાણકારી વગેરે વગેરે .
      – જીવનમાં કોઈને કોઈ ક્ષેત્રે મદદરૂપ થાય એવું કોઈપણ કાર્ય શીખવું. સાવ પડ્યા રહેવા કરતા કઈક નવું જાણવું  આવશ્યક છે.
      ૮) નો નેગેટિવ ન્યુઝ
       ન્યૂઝમાં કે સોશિયલ મીડિયામાં આવતા કોરોના કેસના આકડાઓ કે નેગેટિવ ન્યુઝ જોવાને બદલે મનને બીજી પોઝિટિવ દિશામાં વાળવું.
   જો આપણે પૂરતા precaution(કાળજી) રાખતા હોઈશું તો આપણે મૂંઝાવાની કાઈ જરૂરત જ નથી. બસ તન સાથે મનને તંદુરસ્ત રાખવાની જ જરૂરત છે.
    નબળા વિચારો અને નબળા વિચાટવાલ વ્યક્તિઓથી હમેશા દૂર જ રહેવું.
  – say no to negatives
  – Distract your distractions before they distract you.

                                 – ડો.સાગર વેકરીયા.
“વિશાળ ભુમંડળમાં ઘૂઘવતો સાગર છું હું,
બહારથી અશાંત દેખાતો હું મથું છું ભીતરથી શાંત થવા.”

જીવન બાગ

                 જીવન બાગ

                
૧) સુંદર ને સુવ્યવસ્થિત જીવનબાગ બધાને ગમે.

સુંદર, સુઘડ,સુવ્યવસ્થિત બગીચો જેમ બધાને ગમતો હોય છે, એ જ રીતે જેમનું જીવન બગીચાની માફક સુંદર, સુઘડ, સરળ ને સુવ્યવસ્થિત હોય તો એ બધાને ગમતું હોય છે.

જેમ વૃક્ષોમાં રહેલા મઘમઘતા ફૂલો, એની શીતળતા અને એની સુંદરતા પશુ,પક્ષી,માણસ બધાને ખૂબ આનંદ આપતા હોય છે,એ જ રીતે શ્રેષ્ઠ જીવન જીવનારા લોકો પણ એમની આજુબાજુ ખુશીઓ રેલાવતા હોય છે ને એ જીવન પણ ખૂબ  આનંદદાયક રીતે જીવતા હોય છે.

૨ ) યોગ્ય વિચાર બીજનું વાવેતર…

      ” જેવું વાવો તેવું લણો” એ કહેવત મુજબ  આપણે જેવું ફળ જોઈતું હોય એવા વૃક્ષનું બીજ વાવવું પડે.
   એ જ રીતે જો આપણે આપણું જીવન સારું, સરળ ને  સુવ્યવસ્થિત જોઈતું હશે તો અત્યારથી જ સારા વિચારો ના બીજનું વાવેતર કરવું  પડશે. એ માટે સારા પુસ્તકો, સારા મોટીવેશનલ વીડિયો, સજ્જનોની સાચી સલાહ ને સંસ્કારી વાતાવરણ નો સાથ જરૂરી છે.

    બગીચો બધાને  ત્યારે જ ગમે જ્યારે એમાં યોગ્ય, મનગમતા વૃક્ષો વવાયેલા હોય અને એના માટે શરૂઆતથી જ યોગ્ય બીજ વાવવાની જરૂર પડતી હોય છે.
એ જ રીતે જીવન બાગ પણ ત્યારે જ ઉજળો ને વ્યવસ્થિત બને, જ્યારે એમાં પોઝિટિવ વિચારો રૂપી બીજ વવાયેલા હોય.
 

3)જીવનબાગ ની ફરતે સિદ્ધાંતરૂપી વાડ.

જેમ બાગમાં વૃક્ષોને નુકસાન પહોંચાડતા કોઈ પશુ કે પ્રાણી  ઘુસી ના જાય એને માટે એની ફરતે વાડ બાંધવામાં આવે છે.

એવી જ રીતે જીવનબાગમાં પણ કોઈ ખરાબ વિચાર ,વ્યક્તિ કે પરિસ્થિતિ આવી ન ચડે  એ માટે સિદ્ધાંતોરૂપી મજબૂત વાડ પેલેથી જ બનાવી રાખવી જેથી કોઈ આપણા જીવનમાં ખોટી ખલેલ પહોંચાડી ના જાય.

૪) નેગેટિવિટીનું નીંદણ.

જો બાગ ખાલી પડેલો હોય ને એમાં કોઈ સારું બીજ ના વાવવામાં આવેલું હોય તો એમાં આપોઆપ ખડ ઊગી જ નીકળે છે ,એવી જ રીતે જો જીવનબાગ માં પણ કોઈ સારા વિચારો રૂપી બીજ નહીં વાવેલું હોય તો આપોઆપ ખરાબ વિચારો અને કુટેવો હાવી થઈ જ જશે.
“ખાલી દિમાગ શેતાન કા ઘર” કહેવતની જેમ જો સારું નહીં વાંચો કે વિચારો તો ખરાબ  તો આવી જ જવાનું છે ને એ તમને પૂછવા નહિ બેસે કે હું આવું?

માટે જેમ આપણે આ ખડ નાનું હોય ત્યારથી જ એને નીંદીને બહાર કાઢી નાખીએ છીએ અને પાકને નુકસાન થતું અટકાવીએ છીએ  એવી જ રીતે ખરાબ વિચારો ,ખરાબ વ્યક્તિ કે ખરાબ વાતાવરણ એ આપણા ઉપર અસર જમાવે  એ પેલા જ એને ઓળખીને એનો ત્યાગ કરી દેવો, મોડું ના થવા દેવું.

આપણે જેમ સારું બીજ વાવીને બીજા નકામા ખડને ઉગવા જ નથી દેતા અને ઊગી જાય તો એને નીંદી નીંદીને દૂર કરી નાખીએ છીએ એવી જ રીતે ખોટા,ખરાબ વિચારોને પ્રવેશવા જ નહીં દેવાના અને પ્રવેશી જાય તો એને તરત જાણી એને દૂર કરી દેવાના.

૫)” No Negatives” જીવનસૂત્ર

બાગને સુંદર ને સુઘડ રાખવા જેમ “કચરો કચરાપેટીમાં જ નાખો” એવું બગીચામાં સૂત્ર લખવું પડે છે, એ જ રીતે જીવનબાગને પણ સુંદર રાખવા “No Negatives” જેવું જીવનસૂત્ર રાખવું , જેથી કોઈ પોતાનો નેગેટિવ વિચારોનો કચરો આપણાં જીવનબાગમાં ઠાલવી ના જાય.

૬) જીવનબાગમાં ખરાબ સંજોગોની પાનખર આવે ત્યારે..

    જેમ બગીચા માં  પાનખર આવે ત્યારે બધા જ પર્ણો ખરી જાયને ને  વૃક્ષ સુકાય છે ,પણ વૃક્ષ એ પરિસ્થિતિમાં પણ અડીખમ ઉભું રહી પાનખરની વિદાયની વાટ જુએ છે ને પાનખર વિદાય લે એટલે ફરી પાછું નવી કૂંપળો સાથે બેઠું થાય છે.

   એ જ રીતે જીવનમાં ક્યારેય ખરાબ સંજોગો,પરિસ્થિતિ ઉભી થાય ત્યારે હારી જવાને બદલે વૃક્ષની જેમ પોતાના પોઝિટિવ વિચારોથી અડીખમ ઉભા રહી સમય પસાર થવા દઇ જ્યારે આ ખરાબ સંજોગોની પાનખર પુરી થાય ત્યાતે ફરી પાછું નવી ઉર્જા સાથે બેઠું થઈ જવાનું.

૭) આજીવન જીવનબાગનું maintainance કરવું.

  જેમ યોગ્ય બીજ વાવવુ ,ખડ નિંદવું ,વાડ બનાવવી ,પાકનું રક્ષણ કરવું એ  આજીવન ભજવાતી પ્રક્રિયા છે એ  જ રીતે   જીવનને પણ હમેશા સંયમી ,આનંદદાયક  ને સુંદર બનાવવા માટે સદાયને માટે સિદ્ધાંતોની વાડ બનાવી રાખવી , પોઝિટિવ વિચારોરૂપી બીજ વાવવા, નેગેટિવિટીનું નીંદણ કરવું અને  no negatives નું સૂત્ર આજીવન જાળવી રાખવું.

જેમ તનને તંદુરસ્ત રાખવા દરરોજ યોગ્ય આહાર,કસરત કરીએ છીએ એવી જ રીતે મનને પણ આજીવન તંદુરસ્ત રાખવા દરરોજ પોઝિટિવ વિચારો, મેડિટેશન ને યોગા કરવા તેમજ દરરોજ નૈસર્ગીક વાતાવરણમાં લટાર મારવી.
  
                                    – ડો. સાગર વેકરીયા

સત્યને રસ્તે ચાલતાને સમર્પિત.

ભરોસો એક ભગવાનનો રાખી કરું હું કામ
એ આપશે એવી હામ ,કે નહીં પડે બીજા કશાનું કામ.

લોકો શુ વિચારશે ,એ વિચારવું નથી મારુ કામ,
હોઈશ જો પડખે સત્યની, તો થશે વિજય સરેઆમ.

દુનિયા આપણા વિશે શુ વિચારે છે એ એને જ વિચારવા દઈએ ને , આપણે શુ કામ એ વિચારવું કે આ મારા વિશે આવું વિચારે છે ને પેલો તેવું વિચારે છે.

આપણે આપણી જાત પ્રત્યે શુ વિચારીએ એ જ સૌથી વધુ અગત્યનું  છે , કારણ છેલ્લે રહેવાના તો આપણે એક જ, લોકો તો ફરતા રહેવાના અને એમની આપણી પ્રત્યેની વાતો અને વલણ પણ બદલતા જ રહેવાના.

માટે મૂંઝાવું નહિ ક્યારેય આ દુનિયાની સાચી કે ખોટી આપણા પ્રત્યેની વાતોથી,

મૂંઝાય ખોટું કરનારાં લોકો, આપણે સાચા હોઈએ તો મૂંઝાવું શુ કામ.

માટે સત્યને રસ્તે ચાલતા  મારા બંધુઓ કયારેય ખોટા લોકોથી આપણે પરેશાન થવું નહિ ,અડગ રહેવું.
કારણ આ સમય પણ ચાલ્યો જ જવાનો, અને વિજય અંતે તો સત્યનો જ થવાનો.
        
                              – સાગર વેકરીયા.